ગુજરાતી ફિલ્મ મીરાં રિવ્યુ
તારીખ ૨૭ ઓક્ટોબર શુક્રવારના રોજ ગુજરાત અને ગુજરાત બહાર આશરે 800 જેટલી સ્ક્રીનમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ મીરાં એક સત્ય ઘટનાઓ ઉપર આધારિત મોટિવેશનલ સોશિયલ ડ્રામા ફિલ્મ છે. લગભગ ૨ કલાક ૧૭ મિનિટની લંબાઇ ધરાવતી આ ફિલ્મનું કેન્દ્રબિંદુ મીરાં છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભીલડા ગામમાં રહેતો નિર્મલ તેના જ ગામના કીર્તિના વ્યાજમાં સતત ડુબતો જાય છે. તેના ઘર અને ખેતરને તથા પોતાની જાતને બચાવવાની જવાબદારી અભણ મીરાંના માથે આવે છે. આ સંકટમાંથી પોતે કઇ રીતે બહાર નિકળશે તે કથાનક ધરાવતી આ ફિલ્મ સાચા અર્થમાં તમામ સ્ત્રીઓ માટે પ્રેરણાદાયી છે. કોઈપણ કામ નાનું અથવા મોટું હોતું નથી પરંતુ તેને સાચા મન અને હૃદયથી કરવામાં આવે તો તે અચૂક સફળતા અને પ્રસિદ્ધિ અપાવે છે ઉપરાંત જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ અને દુઃખ આવી પડે તો પણ તેનો મક્કમતાથી સામનો કરવાથી સુખદ સમય પણ માણસ પાછો મેળવી શકે છે તેવો સંદેશ મીરાંના પાત્રથી આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યો છે. પશુપાલન અને ગૌસંવર્ધનથી આત્મનિર્ભર બનતી અને તેના જ ગામની અન્ય બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બનતી મીરાંનું પાત્ર હિના વરદે એ ખૂબજ સુદર અને સહજ રીતે ભજવ્યું છે. નિર્મલની ભૂમિકા ભજવનાર સંજય પરમાર તથા મીરાંનું ઇન્ટરવ્યુ લેનાર એન્કરની ભૂમિકા ભજવનાર મૌલિક ચૌહાણ,દિવ્યાંગ અને મીરાંને પગભર કરવામાં મદદ કરતી રિવા રાચ્છ નો અભિનય વખાણ યોગ્ય છે. કિર્તિનું પાત્ર ભજવનાર ચેતન દૈયા દરેક ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ જોવા ગમે છે. મગન લુહાર જેટલા પણ દ્રશ્યો છે તેમાં સારી છાપ છોડી શક્યા છે.ભાવેશ બેલદાર, કિરણ રાવલ પરેશભાઇ રાવલ,ડો.ગેહાનિ,નિલ જોષી તેમજ અન્ય કલાકારો એ પાત્રોચિત અભિનય કર્યો છે. ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કથા અને દ્રશ્યાનુસાર છે. ફિલ્મમાં કેમેરા વર્ક અને સિનેમેટોગ્રાફિ સુંદર છે. ભિલડા ગામને સરસ રીતે સ્ક્રિન ઉપર બતાવવામાં આવ્યું છે. ભિલડા ગામ તથા આસપાસના ખેતર અને બનાસ ડેરીના ડ્રોન શોટ કલાત્મક લાગે છે. ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર અને દિગ્દર્શક દિલિપ દીક્ષિત છે. એક પ્રેરણાત્મક ફિલ્માં જે પ્રકારનું કથાનક અને સંવાદો જોઈએ તે અનુરૂપ સ્ક્રિપ્ટ લેખકે લખી છે.ગુજરાતી ભાષાની કેટલીક કહેવતોનો પણ તેમણે પ્રસંગોચિત તથા પાત્રોચિત ઉપયોગ પણ કર્યો છે. મીરાંના મુખે બોલાતા ઘણા સંવાદો સાંભળવા ગમે તેવા છે. સત્ય ઘટના ઉપર ફિલ્મ હોવાથી પાત્રોનું ગૌરવ ભંગ ન થાય તેનું ધ્યાન પણ લેખક અને દિગ્દર્શકે અહીં રાખ્યું છે જે વખાણવા લાયક છે. દિગ્દર્શન ફિલ્મનું સારું છે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યું અને આર્ટ ડિરક્શન પણ પ્રમાણમાં સારું છે. ફિલ્મમાં અમુક બિનજરુરી દ્રશ્યો અને ગીતો તથા ક્યાંક સંવાદોનું થતું પુનરાવર્તન જેને ટાળીને આ ફિલ્મની લંંબાઇમાં ઘટાડો કરી ફિલ્મને વધારે ચુસ્ત બનાવી શકાઇ હોત. ખુશાનું દિક્ષિત દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મ અત્યાર સુધીમાં લગભગ પાંસઠ જેટલા એવોર્ડ વિવિધ સ્પર્ધાઓમાં જીતી ચૂકી છે અને કદાચ એવોર્ડની સદી ફટકારે તો નવાઇ નહીં. ખૂબ લાંબા સમય બાદ સત્ય ઘટના અને લોકોને મોટીવેશન આપનારી ફિલ્મ આપણા ગુજરાતમાં બની છે જે ગુજરાતના દરેક પ્રેક્ષકોએ જોવી જોઈએ. એ પણ સ્વીકારવું રહ્યું કે દરેક ફિલ્મ મનોરંજન નથી આપતી પણ ક્યાંક ને ક્યાંક જીવન જીવવાની કળા અને સંઘર્ષ સામે લડવાની આવડત પણ શીખવી જાય છે
ડો.વિપુલ જોષી